કોરોના નું ભણતર પર નુકશાન અને ઉપાયો

 કોવિડ19 ના કારણે ભણતર પર ખૂબ જ વધારે નુકસાન થયેલું છે . કોરોના કાળ પહેલા જે બાળકો શાળામાં ભણતા હતા ,તે પૈકી ઘણા બધા બાળકો શાળા છોડી ગયા છે . જે બાળકો શાળામાં આવે છે તેમનું શિક્ષણનું સ્તર પણ અત્યંત કથળી ગયું છે. ક્યાંથી શરૂ કરવું ,શું ભણાવવું અને શું ન ભણાવવું તેની કશ્મકશ તમામ શિક્ષકો અનુભવી રહ્યા છે .આઠમા ધોરણના બાળકોને પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવા ગણિતના પાયાના સિદ્ધાંતો અને નિયમો શીખવાડવાની બેવડી જવાબદારી શિક્ષકના ખભા પર આવીને ઊભી છે .ઘણા બાળકોને લખવાની પ્રેક્ટિસ છૂટી ગઈ હોવાથી સામાન્ય કક્ષાના શબ્દો પણ લખાવવાનું કામ અઘરું થઈ ગયું છે એ અત્યંત દુઃખ જનક અને ચિંતા કરવા જેવી બાબત છે. પરંતુ તેનાથી ડરવાની, નિરાશ થવાની કે ગભરાઈ જવાની જરૂર નથી. માનવી કોઈપણ બાબતને વારંવાર કરવાથી ટેવાઈ જવાનો સ્વભાવ ધરાવે છે. બાળકો વૈશ્વિક મહામારી દરમિયાન કપરી પરિસ્થિતિમાં થી ગુજર્યા છે. વાલીઓ ના ધંધા રોજગાર છીનવાય ગયાં છે . આર્થિક સંકડામણ અનુભવતા કુટુંબો માટે નાજુક સમય છે. આ બધા ની વચ્ચે એક નવી કેડી કંડારી આગળ વધવાની નેમ આપને સહુએ સાથે મળી ને લેવાની છે . શિક્ષક તરીકે આપણે માત્ર અન્ય ની જેમ કર્મચારી નથી આપણું કામ અન્યો થી અલગ છે . આપણો પનારો જીવતા જાગતા અને એકબીજાથી અલગ ઓળખ અને સ્વભાવ ધરાવત બાળકો સાથે છે , જે જીવંત છે અને શીખવાની નવું જાણવાની ઉત્કંઠા અને ધગશ રાખે છે . માત્ર એક ચિનગારી પેટાવવાની જરૂર છે મશાલો આપ મેળે પ્રજ્વલિત થઇ જશે . પુસ્તક અને અભ્યાસક્રમ ની સાથે સાથે બાળકો ને લખવાની ,ગણવાની યાદ રાખવાની પણ સમાંતર પ્રેક્ટિસ કરાવતા રહેવું પડશે . ભાષા ના વિષય માં જોડણી અને સ્પેલીંગ માટે એક અલગ નોટબુક બનાવડાવી તેમાં લખાણ કરાવવાથી પણ ખાસ્સો ફરક પડી શકશે. આવો આપણે સહુ સાથે મળી જ્ઞાન ના દીવા ને પ્રજ્વલિત કરવાના મહાન કામમાં મન લગાવીને મંડી પડીએ.

Comments